“યાદ ચારણ આવશે…” એક તરફ દીકરીના લગ્ન થઈ રહ્યા હતા અને બીજી તરફ પિતા…. આ સ્ટોરી તમને રડાવી દેશે.

0
602

લેખક – શૈલેષ પંચાલ.

રાપર તાલુકાના પ્રાગપરની પડખે વસેલ સોનલવા ગામ આમ તો માંડ વીસ પચીસ ઘર પોતાની કાખમાં લઈ બેઠું છે પણ, અહીં કુદરત મોકળા મને વરસી છે.ચોતરફ લાલ હિંગોળ સમા ડુંગરાઓ એની માથે છત્ર ધરી રહ્યા છે. પહાડને પાણે પાણે આઈ ખૂબડીના ખમકારા સંભળાય છે.

વાગડની વીરધરા પર આદિત્યના આશિષ ઉતરવાની તૈયારી થઈ છે. વહેલી સવારે આ નાનકડા ગામની રંગત નોખી છે. સોનલવાના ગામધણી ગડદીયા ચારણ કરશનભાને આંગણે આજ દીકરીબાના લગનનો રૂડો અવસર છે. પંચાવન વરસની વયનો આ દિલાવર ચારણ રૂડાં પ્રસંગે પોતાની જાતને ઓળઘોળ કરી રહ્યોં છે. ગઈ રાતનાં રાસગરબાની રમઝટ ટાણે તનમનધન ઓવારી દેતાં કરશનભાની આંખમાં ઉજાગરાનુ નામોનિશાન નથી. ઘેરથી અન્નપૂર્ણાનો અવતાર ગણાતાં પુનીબેન પણ હૈયામાં હરખ સાથે માંડવે બેઠેલી બહેનોનાં ગીતો માણતાં હતાં.

ધોળાં બે બળદિયાને માફારી વેલ છે…

આવી ઉતરી વડલાની હેઠળ..

બેનલ, તારાં આણલા રે આયા..

બરાબર નવ વાગ્યે સોનલવાની સીમમાં જાનનું આગમન થયું ને વાગડની વનરાઈ ગુંજી ઉઠી.ગામમા પ્રવેશ કરતાં પહેલાં એક ઢાળ ચઢવો પડે..તરત જ ગામનો મુખ્ય ચોરો આવે…ચોરા વચ્ચોવચ ઉંચાઈ પર બાંધેલું રામજી મંદિર…મંદિરના બેય પડખે ચારણોનો ડાયરો ભરાય. આજ પણ ચાપાણીની ઠઠ વાગતી હતી. ખુબડીઆઇની સેવાપુજા કરતાં ઋષિ ચારણ મહાત્મા રમેશભા, ઈતિહાસનાં મર્મજ્ઞ વિદ્વાન ચારણ પુનાભા,યુવાપ્રમુખ વિપુલભા ને બીજાં અસંખ્ય ગઢવીઓની એ સભામાં વીરત્વની વાતો ઉજાગર થતી હતી. બરાબર નવને ટકોરે જાનનું સામૈયું થયું.

જાનૈયા પક્ષની બહેનો પણ ખુબ હરખમાં આવીને લગ્નગીતો ગાતી હતી.

જાંબુડાની ડાળ રે લળી ઝોલા ખાય…

જામ,તારો જાબુડો રળિયામણો..રે

સોનીડાના બેટડા ભાઈ તને વીરો કહું..રે..

આજ મને હારલો ઘડી આપ..રે

આજ મારે જાવું જગદીશભાની જાનમાં..રે..

જાન ઉતારામાં આવીને બેઠી ને કરશનભાના હરખનો પાર ન રહ્યો. બાપના જીવનની સૌથી મોટી પળ આવીને ઉભી હતી. આમ તો પોતે અડાભીડ ચારણ…સામે પાંચ શું પાંચસો માણસ ઝઘડવા ઊભા હોય તોય એકલો તૂટી પડે એવો નખશીખ મરદ ગઢવી..એની રખાવટનો જોટો ન જડે..એની ડેલીએ જેણે મહેમાનગતિ માણી એ આયખું આખું યાદ કરે..ને, તોય મોઢું હસતું ને હસતું.. આવો મૌજીલો માણસ આજ હરખઘેલો હતો ને દીકરી વિદાયનો પ્રસંગ વિચારી વિષાદમાં પણ હતો.

અગાઉ જ્યારે મોટાભાઈની દીકરી વિદાય થતી હતી ત્યારે પોતે વાડીએ એક ખુણામાં જઈ બેસી ગયેલ. દીકરી તો હસતી જ સારી લાગે…બંગડીનો રણકાર ને ઝાંઝરનો ઝણકાર સાંભળી ધન્ય થયેલા કાન હવે રુદન કેમ સહન કરે !‌ પણ, જાનમાં રહેલી બહેનો આજે ખુબ હરખથી કરશનભાનુ નામ લઈને ગીતો ગાતી હતી.

મારા તે વીરને કરશનમામાએ પુછ્યું…

ભાણેજ કી મોડા માણારાજ..

સોનલવા ગામનાં વાંકા ચૂકા મારગ…

નજરે નોતા દીઠાં….એથી મોડાં આવ્યાં માણારાજ..

મનોમન મલકાતાં વિચારોમાં ને વિચારોમાં ચારણ પોતાનાં ઘરમાં પ્રવેશ કરે છે ત્યાં જ કોઈ બોલી ઉઠ્યાં..” ભા, ધ્યાન રાખતાં જાવ… ખોંખારો તો ખાવ.. ઘરમાં દીકરાની વહુ બેઠી છે ” કરશનભાના પગ અટકી ગયાં.

હજું તો પરમ દિવસે પોતાનાં પુત્રની જાન લઈને ચીભડા ગયેલા. માબાપ વગરની દીકરી પોતાના પરિવારમાં કંકુ છાંટણા કરતી હતી ને સસરાને જોઈને એ નિર્દોષ બાળાએ પોતાના માથે ઓઢણું લેવાની કોશિશ કરી ત્યાં જ મોટાં મનનો ચારણ બોલી ઉઠ્યો..” રેવા દે બેટા, હવે લાજ ન કાઢ. આજથી હું તારો બાપ ને તું મારી દીકરી ” એમ કહી જ્યારે કરશનભાએ દીકરાની વહુનાં માથે હાથ મુક્યો ત્યારે માવતર વગરની દીકરીની આંખમાંથી અષાઢની હેલી મંડાય એમ ચોધાર આંસુઓ વરસવા લાગ્યા. સૌ સ્તબ્ધ હતાં ને નિયતી પોતાનો ખેલ બરાબર ભજવી રહી હતી.

સોનલવા ગામની અંદર આ પૂર્વે આવો અભૂતપૂર્વ માહોલ સર્જાયો નહોતો. રાત્રે રાસગરબાની રમઝટમાં રાફુથી જીતુદાન ગઢવીને સ્ટેજ પર બેસાડી લોકસાહિત્યની વાતો મંડાવી ઘોર કરતાં કે પછી રાપર ખાતે નાયબ મામલતદાર તરીકે નોકરી કરતાં નિકુલસિહ વાઘેલાને ” ઓરામણા પેલા આવી જાજો હો નિકુલસિહ..” એવો આગ્રહ કરતાં કરશનભાના ચહેરા પર હરખ અને માત્ર હરખ જ હતો…એ હરખ છેક બપોરનાં જમણવાર સુધી અકબંધ હતો.

જમણવાર ટાણે પણ ગામનાં દલિતો માટે પહેલી પંગતનો આગ્રહ કરી સૌને પ્રેમથી જમાડનાર આ ચારણને બપોરે દોઢ વાગ્યે છાતીમાં સ્હેજ દુખાવો શરૂ થયો. બાજુમા ઉભેલાં હેમભા સાથે વાતચીત કરી તો હેમભાને લાગ્યું કે આજે કન્યાદાન દેવાનું હોવાથી આખાં દિવસ ભુખ્યા રહેવાને લીધે ચક્કર આવતાં હશે..એમ સમજી થોડાં ગુલાબજાંબુ ખવડાવ્યા..પણ, દુખાવો મટ્યો નહીં. જોકે, બરાબર બે વાગ્યે દીકરીનાં ફેરા શરુ થવાનાં હતાં ને ડેલીમા દુઃખને દબાવી બેઠેલા ચારણે નછૂટકે દવાખાને જવું કબૂલ કર્યું.

સોનલવાથી પ્રાગપર ફક્ત બે જ કિલોમીટરના અંતરે..પણ, ત્યાં પહોંચતા પહેલા જ આ અડાભીડ ચારણની આંખ કાયમ માટે મીંચાઈ ગઈ. ચારેય યુવાચારણો શંકરભા,અમીતભા, વિપુલભા અને હેમભા સ્તબ્ધ બની ગયા. આ તરફ લગ્નનો શોર સોનલવાની પહાડીઓ ચીરી રહ્યો હતો. ભાણીને લગ્નમાં લઈ જવા માટે મામાની બૂમ પડી પણ, મામા તો પોતાના બનેવીનો નિશ્ચેતન દેહ લઈ બેઠાં હતાં. કુદરતનો કોપ વરસ્યો હતો. માત્ર બે ત્રણ કલાક પછી જ દીકરીની વિદાય હતી ને એ પહેલાં બાપે આ દુનિયામાંથી વિદાય લીધી હતી.

આમ છતાં, આશાનો એક તંતૂ સજીવન રાખી, કશુંક ચમત્કાર સર્જાય એ આશાએ તેઓ કરશનભાને દવાખાને લઇ ગયા. સૌ હોસ્પિટલમાં ફફડતા હૈયે ઊભા છે ને અચાનક હેમભા કે જેઓ કરશનભાની સાથે ડોક્ટર સાથે અંદર ગયા હતા તેઓ બહાર આવ્યાં.

” વિપુલ, ગજબ થાઈ ગ્યો ”

” કઉ થ્યુ મામા..”

” કરશનભા દગો દેય ને હાલ્યા ગ્યા ”

આટલાં શબ્દો સાંભળીને શંકરભા,વિપુલભા અને અમીતભાની આંખમાંથી આંસુની ધાર વહી રહી.

” હવે કઉ કરવુ ? ”

હેમભાએ રજુઆત કરી..” વિપુલ,એક કામ કરીએ આપણે..દેવીદાનભાને જાણ કરીએ…ઈયને ભણીએ કે ભા કોઈને જાણ ન કરતાં..આ રીતની ઘટના ઘટી સે…કરશનભા હવે આ દુનિયામાં રયા નસે…ઉસે માંડવે કે જાન..બેનમા કીસે ખબર નસ પવા દેવાની…”

હેમભાની વાત સાચી હતી. એક તરફ લગ્નની આવી ધામધૂમ ને એ સમયે આવી વાત કોણ જીરવી શકે ? દેવીદાનભા એવો એક સમજદાર ચારણ…જેમની ગજબની કોઠાસૂઝ વડે તેઓ ગમે તેવાં અંધારામાં ય મારગ કાઢે. નખશીખ હૈયાં ઉકલતવાળો ચારણ દેવીદાનભા આવો આઘાત અંતરમા જીરવીને જાનને વિદાય કરી દે તો રંગમાં ભંગ ન પડે.

શંકરભાએ કીધું ” ઈ તો બરાબર સે પન હેમુકાકાને ઉસે હોનલવા મુકી દીયો…વિદાય ટાણે મામો હાજર હોય તો કોઈને વેમ ન પડે….”

ચોરીમા ફેરા ચાલુ હતાં. રૂડા મંગળગીતો ગવાતાં હતાં ને હરખનો પાર નહોતો. આવે ટાણે આ અનહોનીને હદયને ખુણે ધરબીને હેમભાએ ચોરીમાં પ્રવેશ કર્યો. એ પ્રસંગ ગમે તેવાં મરદની છાતી ઢીલી કરી દે એવો હતો.

હેમભાએ ચોરી પર નજર કરી. પોતાની લાડકવાયી ભાણી ચોરીમાં ફેરા ફરતી હતી. જોગમાયા સમી દીસતી પુનીબેન હરખઘેલી થઈ સૌની સાથે ખુશીઓ વહેચતી હતી. આ દ્રશ્યની પેલી બાજુનો વિચાર કરતાં જ હેમભાને ચક્કર આવવા લાગ્યા પણ, વારંવાર શંકરભાના શબ્દો સંભળાતાં હતાં કે આ પરિક્ષા છે તમારી.. છા તીપર પથરો મુકીને જ્યારે વિદાય વખતે હેમભા ભાણીને મળવા ગયા ત્યારે દીકરીએ સૌપ્રથમ પોતાના પિતા વિશે પુછ્યું..” મોર બાપુ કીસે મામા ‌.” હેમભાએ તબિયત સારી નથી એટલે રિપોર્ટ કરવા ગાંધીધામ લઈ ગયા છે એવું લુખ્ખુ બહાનું કાઢીને પ્રસંગ સાચવી લીધો.

સુરજદાદા પશ્ચિમ તરફ આગળ ધસતા જતાં હતાં ને થોડીવાર માટે વિધીની આ વક્રતા જોવા અટકી ગયેલાં. એક તરફ રૂડું પાનેતર ઓઢી દીકરી સાસરે જતી હતી ને ત્યાંથી થોડે દુર જ એનાં પિતાની લાશ પડી હતી. સૌ અજાણ હતાં. સૌને અજાણ રખાયાં હતાં. મરદની જેમ જીવી ગયેલ કરશનભાની રખાવટનો એ છેલ્લો પ્રસંગ હેમભા અને વિપુલભાએ છા તીપર પથ્થર મૂકીને સાચવ્યો હતો.

દીકરીની જાન સોનલવાની સીમ છોડી આગળ વધી પછી જ કરશનભાના દેહને ગામમાં લવાયો. હાહાકાર મચી ગયો.

આજે આદિત્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો. થોડીપળો પહેલા જ્યાં લગ્નગીત ગવાતાં હતાં ત્યાં મરશિયા શરું થયાં હતાં. હાજર રહેલાં સૌને આ દ્રશ્ય સ્વપ્નવત ભાસતું હતું. નયન સ્વીકારવા તૈયાર નહોતા. હાથમા મ્હેંદી અને આંખમાં શમણાં સજાવી ગયેલી દીકરીએ બાપને ગુમાવ્યો હતો ને સાસરામાં આવેલી એવી જ બીજી એક માવતર વગરની દીકરીનાં નસીબમાંથી કલાકો પહેલા જ મળેલી પિતાની છત્રછાયા પણ કુદરતે છીનવી લીધી હતી…

નિયતીનો આવો કરુણ ખેલ જોઈને સુરજદાદા પશ્ચિમ દિશામાં ડૂબી ગયા ને સમગ્ર સોનલવા ગામ ઉપર ગાઢ અંધકાર છવાઈ ગયો.

“મળશે કો’ક દી માનવી ,દેશ વિદેશ ગીયાં

ઈ સ્વજન નહી સાંપડે , જે ધરતી ઢંક થીયાં

વખણાતો હતો વઢિયારમાં,

જેનો હોંકારો ને હામ

“જગદીશ”જોવા નહી મળે,

એવા સજ્જન સોનલવા ગામ..

( જગદીશભા – દેવરાસણ )

( લગ્નગીત સૌજન્ય – વેલાભા ગઢવી ચીભડા )

લેખક – શૈલેષ પંચાલ. (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)