યોગમાયા અંબાજીની સ્તુતિ કરતા વાંચો ‘નમો બ્રહ્મશક્તિ મહાવિશ્વમાયા’ દોહો.

0
444

(દોહો)

શાંતિકરણ જગભરણ તું, ઘડણ ઘણા ભવઘાટ;

નમો આધ્ય નારાયણી, વિશ્વરૂપ વૈરાટ.

(છંદ-ભુજંગી)

નમો બ્રહ્મશક્તિ મહાવિશ્વમાયા,

નમો ધારની કોટિ બ્રહ્માંડ કાયા;

નમો વેદ વેદાંત મેં શેષ બરની,

નમો રાજ કા રંકપેં છત્ર ધરની…(૧)

નમો પૌનરૂપી મહા પ્રાણદાતા,

નમો જગતભક્ષી પ્રલે જીવ ઘાતા;

નમો દામની તાર તોરા રૂપાળા,

નમો ગાજતી કાલિકા મેઘમાળા…(૨)

રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી

પૂરે સાથિયા કે’ક રંગે પ્રકાશી;

લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે,

તુંહારાં અનોઠાંહ વાજિંત્ર વાજે…(૩)

નિશા શામળી કામળી ઓઢ કાળી,

તુંહી કાળરાત્રી નમામી કરાળી;

તુંહી તારલે જ્યોત ઝીણી ઝબૂકે;

ફરે આભ કા પંથ ફેરા ન ચૂકે…(૪)

પ્રભા ભાનુમેં માત તોરી પ્રકાશે,

લખી ઉગ્રતા ઓઘ અંધાર નાશે;

તુંહી ચંદ્રિકા રૂપ વ્યોમે હસંતી,

ધરી ઓઢણી શ્વેત આભે લસંતી…(૫)

દિશા-કાલ કે ભેદ તોરા ન દિસે,

નમો સેવ્યની બ્રહ્મ રુદ્રં હરિસે;

તુંહી આભ ઔકારા કેતા નિપાવે,

મથે માનવી થાહ તોરા ત પાવે…(૬)

તુંહી સાયરાં નીર ગંભીર ગાજે,

ભીડે આંકડા વાંકડા નાટ સાજે;

ધકેં હાલતા લોઢ લેતા હિલોળા,

કરતી જળાં બોળ અંગે કિલોળા…(૭)

તુંહી વાદળાં પા’ડ માથે પછાડે,

સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે;

અષાઢે સુ નીલંબરં અંગ ઓઢી,

તુંહી જાણિયેં પાણિયાં સેજ પોઢી…(૮)

હિમંતે અનોધા હિમાળા હલાવે;

તુંહી પૌનમાં શીતળં ગીત ગાવે;

વસંતે તુંહી માત હેતે હુલાસી,

લતા ઝાડમાં ફુલે ફુલે પકાશી…(૯)

ભડી દાવનાં સાથ બુઢ્ઢિ ભુજાળી;

અખાડે અરિ આમળા દીધ ટાળી;

પવાડે ટલા કેતરી વાર લીધા,

રણે દોખિયાંરે સરે રેશ દીધા…(૧૦)

તહીં વાર કાળી ધરી હાથ કાતાં,

રંગ્યાં રાખસાં લોઈ બંબોળ રાતાં;

ભવાની અસાં ભારથાં કે’ક કીધાં.

પછાડી ઘણાં દાનવાં રેર પીધાં…(૧૧)

તુંહી લોહ ખાંડા ધરી વીશ હાથે,

મંડી ખેધ વાઘેશ્વરી દૈત માથે;

વડા પા’ડ શા આવતા રાહ આડા,

ધકી વેઢકે ત્રોડિયાં કાંધ જાડાં…(૧ર)

પછાડ્યો જળાં સોવળાં દૈત ઘાતી,

ધરા દીધ રાખી રસાતાળ જાતી;

કહે સેવકાં પાહિ તોહિ સરાહી,

નમો વિશ્વગ્રાહી અગ્રાહી વરાહી…(૧૩)

તુંહી ટેર પ્રેલાદરી સુણ ધોડી;

તમંકી બણી સિંહણી થંભ ત્રોડી;

હણી દીધ તેં રામરો દૈત દ્રોહી,

નમો નારસિંઘી અસુરાં, વિમોહી…(૧૪)

ફતેકાર નેતા તિહારા ફરુકે,

જપે સૂર માળા તુંહી પાવ ઝૂકે;

તુંહી હેક ચંડી મહા માન ખંડી,

વિખંડી દળાં દાનવાં લોક મંડી…(૧૫)

તુંહી શ્વાસ-ઉસાસરી હાથ દોરી,

કળા કોણ જાણે તિહારી અઘોરી;

સુણી સાદને અંબિકા ધાય વારે,

કરો સેવકાં જા’જ માતા કિનારે…(૧૬)

તુંહી કારણી મારણી મોહ માયા,

તુંહી તારણી જે શેરે કીધ દાયા;

તુંહી જગ્ત નિભાવણી વિશ્વકાયા,

નમો રાજરાજેશ્વરી યોગમાયા…(૧૭)

ભરી પૂર્ણ બ્રહ્માંડમાં પૂર્ણ પાસે,

અણુ બીજમાં તું અનેરી પ્રકાશે;

તુંહી જોગણી ભોગણી જીવ જાયા,

નમો સાત દીપેશ્વરી વજ્ર કાયા…(૧૮)

તુંહી બ્રહ્મવિઘધા અવિધા પરેષી,

તુંહી તુલ્ય દષ્ટિ તુંહી ઉગ્ર દ્વેષી;

પરા પશ્યતી મધ્યમા, વૈખવાની,

ન જાતી ગતિ જાય ગંભીર જ્ઞાની…(૧૯)

ખનું એક તું કે’ક બ્રહ્માંડ થાપે;

ખનું એકમેં કે’ક લોકાં અથાપે;

તુંહી તું તુંહી તું તુંહી તું જ જાની,

મતિ હૈ યથા મોરી એતી બખાની…(૨૦)

નમો માત કાગેશ્વરી ભદ્રકાળી,

કળા સોળ ધારી રૂપાળી કૃપાળી,

દયા દીઠ સે દાસ અંગે નિહારો,

ભરોસો મુંહી એક અંબા તિહારો…(૨૧)

કવિશ્રી દુલા ભાયા કાગ મજાદર.

– સાભાર અમિત સેવક, અમર કથાઓ ગ્રુપ.