તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે, સમજવા માટે આ ઘંટ વગાડવા વાળાની સ્ટોરી વાંચો.

0
544

એક મંદિર હતુ,એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવાવાળો માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો.

ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રહેતુ નહી. ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસ ના ભાવ નાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી.

એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયુ અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યુ કે, આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને છુટા કરી દો. તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ કીધુ કે, આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી.

પેલાએ કીધુ કે મારો ભાવ જોવો સાહેબ. પણ ટ્રસ્ટીએ કીધુ કે, તમે ભણેલા નથી, એટલે નોકરી માં રાખવામાં આવશે નહી.

બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહી. ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી. ૮-૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા, એ લોકો એ ભેગા થઈ કીધુ કે તમે મંદિરમાં આવો. તો એ ભાઈએ કીધુ કે હું આવીશ તો ટ્રસ્ટી ને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હું આવી શકતો નથી.

તો ત્યા આવેલા લોકો એ એને કીધુ કે, મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ ત્યા તમારે બેસવાનુ ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનુ. પછી કોઈ નહી કહે કે તમારે નોકરીની જરુર છે.

હવે એ ભાઈ ની દુકાન એટલી ચાલી કે એક માથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ. હવે એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે.

હવે આ વાત જુની થઈ ગઈ, મંદિરનુ ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ. હવે મંદિરને નવું બનાવવાનુ હતું માટે દાનની જરુર હતી. મંદિરના ટ્રસ્ટીઓ એ વિચાર્યુ કે પહેલા ફેક્ટરી માલીક ને વાત કરીએ.

માલિક જોડે ગયા. ૭ લાખ નો ખર્ચો છે એવુ ટ્રસ્ટીઓ એ આ માલિક ને કીધુ. એ માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખાવડાવીને ટ્રીસ્ટીને આપી દીધો, ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ સહી તો બાકી છે.

માલિકે કીધુ કે મને સહી કરતા નથી આવડતુ, લાવો અંગુઠો લગાવી આપુ, ચાલી જશે.

તો પેલાએ ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોંકી ગયા કે, સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, ભણેલા હોત તો ક્યા હોત.

તો પેલા શેઠે હસીને કીધુ કે, ભણેલો હોત તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત.

સારાંશ : કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ શુદ્ધ હશેને, તો ઇશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે.

– વિજય સાકરીયાનો બ્લોગ. (ફોટા પ્રતિકાત્મક છે)