અથાણાની બરણી :
વીણા રસોડાનો ઘોડો સાફસુફ કરી રહી હતી.. એક હાથમાં અથાણાની બરણી ઉપાડી , નીચે જાપટીયું માર્યું.. અચાનક બરણી હાથમાંથી છટકી ગઈ.. પગના પંજા પર લાગીને નીચે પછડાઈ.. અથાણું અને કાચના ટુકડા આખા રસોડામાં ફેલાઈ ગયા.. એનાથી હળવી ચીસ નિકળી ગઈ..’ઓય મા..’
અવાજ સાંભળી સાસુ દોડી આવ્યા.. વીણા દુખતા પગના પંજા પર હાથ ફેરવતી હતી..
“ધ્યાન દઈને કામ કરતી હો તો.. ને ઘોડો તો હમણાં જ ગોઠવ્યો હતો.. સાફ કરવાની ક્યાં જરુર હતી.. પણ તને સખ થતું નથી.. બહુ લાગ્યું તો નથી ને..?” મીઠો ઠપકો આપી સાસુ સફાઈ કરવા લાગ્યા..
વીણા જરા લંગડાતે પગે બેઠકમાં જઈ સોફા પર બેઠી.. બોલી..
“ના .. મમ્મી , જરા કળ ચડી ગઈ છે.. હમણાં ઠીક થઈ જશે..”
રસોડું સાફ કરી સાસુ વીણા પાસે જઈ બેઠા..
અચાનક વીણા તેને વળગી પડી.. ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી..
“બેટા, બહુ લાગ્યું છે..? કંઈ ભાંગતુટ તો થઈ નથી ને..? ચાલ દવાખાને જઈએ..” સાસુ ગભરાઈ ગયા..
વીણા કંઈ બોલ્યા વગર થોડીવાર રડતી જ રહી..
સાસુએ પાણી પાયું.. એ શાંત થઈ..બોલી..
“મમ્મી, મને કંઈ લાગ્યું નથી.. પણ હૈયું ભરાઈ આવ્યું, એટલે રોવાઈ ગયું..”
તે વધુ બોલી.. “મારી મમ્મી બહુ દુખી છે.. બેમાંથી એકેય વહુ સાથે ભળતું નથી.. અવાર નવાર માથાકુટ ચાલ્યા જ કરતી હોય.. પણ.. મને એનું કારણ આજ સમજાયું.. મારી મોટી ભાભી પરણીને આવી ત્યારે હું નાની હતી, પણ સમજણી હતી.. ભાભીથી મારી જેમ અથાણાની બરણી ફુટી ગઈ.. પગમાં કાચ લાગીનેલો હીનિકળ્યું.. ત્યારે મારી મમ્મી એમ બોલ્યા હતા.. ‘સરખું ધ્યાન રાખને.. ઘરમાં કેટલું નુકસાન કર્યું.. છ માસ ચાલે એટલું અથાણું ઢોળાઈ ગયું.. હવે કર સાફસુફી..’
“મમ્મી, તમે મારી પીડા જોઈ.. અને મારી મમ્મીએ અથાણું જોયું..”
સાસુની આંખમાં વહાલના જળજળિયા આવ્યા.. મનોમન હરખાયા.. કે ભગવાને મને કેવી સમજણી વહુ આપી છે..
– જયંતીલાલ ચૌહાણ ૩-૪-૨૧ (અમર કથાઓ ગ્રુપ)