“ક્રોધ કરીશ નહિ”
યુધિષ્ઠિર અને તેમના ભાઈઓ ગુરુજી પાસે ગયા. ગુરુએ પહેલાં દિવસનો પાઠ આપ્યો : “ક્રોધ કરીશ નહિ.” અને લખ્યા પછી કહ્યું : “હવે જાઓ, એને યાદ કરો, કાલે હું પાઠ સાંભળીશ.”
બીજે દિવસે બધા છોકરા ગુરુજી પાસે આવ્યા તો તેમણે કહ્યું : “કાલનો પાઠ સંભળાવો.”
અર્જુન, ભીમ, નકુલ, સહદેવ બધાએ પાઠ સંભળાવી દીધો : “ક્રોધ કરીશ નહિ.” પરંતુ યુધિષ્ઠિરે સંભળાવ્યો નહિ.
ગુરુજીએ પૂછયું : “યુધિષ્ઠિર! તને પાઠ યાદ થયો નથી?”.
બાળક યુધિષ્ઠિરે કહ્યું : “ના, ગુરુજી! અત્યાર સુધી તો યાદ થયો નથી.”
ગુરુજીએ કહ્યું: “તું કેવો મૂર્ખ છે! સૌથી મોટો છે, પણ બધા કરતાં અયોગ્ય. જા, કાલે જરૂર યાદ કરી લાવજે.”
યુધિષ્ઠિરે કહ્યું : “ગુરુજી! પ્રયત્ન કરીશ.”
બીજો દિવસ આવ્યો તો યુધિષ્ઠિરે ફરીથી કહ્યું : “મને પાઠ યાદ થયો નથી.”
ગુરુજીએ ગુસ્સાથી કહ્યું : “તું મનુષ્ય છે કે પશુ? ત્રણ શબ્દોનો પાઠ પણ તને યાદ રહ્યો નથી? અને મોઢા ઉપર થ-પ્પ-ડ-મા-રી.
યુધિષ્ઠિરે પોતાના ગાલ પર હાથ ફેરવીને કહ્યું : “હું પ્રયત્ન કરીશ, ગુરુજી.”
ત્રીજા દિવસે યુધિષ્ઠિર આવ્યો કે ગુરુજીએ પૂછયું : “કેમ, પાઠ યાદ થઈ ગયો?”
યુધિષ્ઠિરે માથું નમાવીને કહ્યું : “ના, ગુરુજી! હજી પણ પાઠ યાદ રહ્યો નથી.”
ગુરુજીએ ત્રણ-ચાર થ-પ્પ-ડ ચોડી દીધી. અને ઊંચા સ્વરે બોલ્યા : “તું પ્રયત્ન કરતો નથી, કાલે જો પાઠ યાદ નહિ કરે તો તારી ચામડી કાઢી નાખીશ.”
યુધિષ્ઠિરે પહેલાંની જેમ માથું નમાવીને કહ્યું : “હું પ્રયત્ન કરીશ.” અને તે દિવસે તે દુર્યોધન વગેરે પાસે ગયો. જોયું કે તેમની ગાળો સાંભળીને, કટાક્ષ સાંભળીને ક્રોધ આવે છે કે નહિ? એમ પણ જોયું કે સહેજ તો ક્રોધ થાય છે જ.
ચોથા દિવસે ગુરુજીએ પૂછયું : “યુધિષ્ઠિર! પાઠ યાદ થયો કે નહિ?”
યુધિષ્ઠિરે હાથ જોડીને અને માથું નમાવીને કહ્યું : “ના, ગુરુજી! હજી પૂરેપૂરો પાઠ યાદ થયો નથી. બસ થોડો-ઘણો પાઠ યાદ થયો છે.”
ગુરુજીએ થ-પ્પ-ડોનો વરસાદ વરસાવ્યો. યુધિષ્ઠિર ઊભો ઊભો હસતો રહ્યો. ગુરુજી હાંફવા લાગ્યા. થાકીને થોભ્યા તો તે હજી પણ હસતો જ હતો. આથી તે નવાઈથી બોલ્યા : “અરે! તું હજી પણ હસ્યા કરે છે?”
યુધિષ્ઠિરે કહ્યું : “તમે શીખવ્યું હતું ગુરુજી! ક્રોધ કરશો નહિ. હવે હું કહી શકું છું કે તમારો શીખવેલો પાઠ મને યાદ થઈ ગયો છે.”
ગુરુજીએ આગળ વધીને તેને છાતી સાથે ચાંપ્યો, અને બોલ્યા : “હવે સમજ્યો છું. તમે આ પાઠ સદાથી જાણતા હતા. હું જ ભૂલી ગયો હતો. તમે પાસ થઈ ગયા છો. હું નાપાસ થયો છું.”
“ક્રોધ કરીશ નહિ” આ પહેલો બોધ છે, જે આપણને આપવામાં આવે છે. એનાથી વધારે જરૂરી બોધ કદાચ કોઈ નથી, કારણ કે આ ક્રોધ મોટો ચાંડાળ છે.
(બોધ કથાઓ, મહાત્મા આનંદ સ્વામી સરસ્વતિ)