ઝંડુ ભટ્ટ : આયુર્વેદના એવા નિશ્રણાંત જેમણે આવનાર દુ:ખદ બનાવની આગાહી કરી હતી.

0
1906

પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં વિઠ્ઠલજી ભટ્ટને ત્યાં એક બાળક જન્મ્યું. બાળકની જન્મકુંડળી જોઇ એક પ્રસિદ્ધ જ્યોતિષે ભવિષ્ય ભાખ્યું કે એના ઘરમાં રોજ સવાસેર મીઠું વપરાશે.

નાનપણમાં કાંઇક મનતાને લીધે આ બાળકના વાળ કાયમ રાખ્યા હતા. એ વાળ ઝુંડ જેવા લાગતા તે પરથી ઝંડુ નામ પડી ગયું.

મૂળ નામ કરુણાશંકર. પુખ્ત થઇ પાછળથી એ જ નામ કાયમ માટે પડી ગયું. બાલવયે એમણે બે શાસ્ત્રીઓ પાસે સંસ્કૃત શીખી લીધું, અને પોતાના પિતાજીન જ ખોળે બેસી આયુર્વેદ્શાસ્ત્રના મૂળ તત્વો ઘૂંટી ઘૂંટીને પીધાં.

અભ્યાસ ઉપરાંત ઝંડુભટ્ટજીને મર્દાની રમતગમતનો પણ ભારે શોખ હતો. વાડીઓ, જંગલો, નિર્જન જગાઓ એમનાં માનીતાં સ્થાન હતાં. એ વહેમી જમાનામાં પણ એમને ભૂતપ્રેત વગેરેનો બિલકુલ ડર નહોતો.

બાર વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા. સ્વામી શ્રી શંકરસ્વરૂપ પાસે તેમણે થોડો ઘણો યોગશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. જામસાહેબના મુખ્ય વૈદ્યરાજ વિઠ્ઠલજીએ 1903-04માં 17 વર્ષની વયે ઝંડુભટ્ટને પોતાની મદદમાં રણમલજામની નોકરીમાં માત્ર 25 કોરીના પગારથી રાખી લીધા.

મહારાજ વિભાજામ ગાદીએ આવતાં તેમની પ્રીતિ ખાસ કરીને બે યુવાન વૈદ્યો – બાવાભાઇ અને ઝંડુભટ્ટ તરફ આકર્ષાઇ. તેમાંયે ઝંડુભટ્ટજી તરફ તેમને એક કારણથી વિશેષ માન થયું હતું. રણમલજામના દુનિયામાંથી વિદાય લેવાના બે ત્રણ દિવસ પહેલાં ભટ્ટજીએ અને ટકા જોશીએ એ આવનાર દુ:ખદ બનાવની આગાહી કરી હતી.

એમની આયુર્વેદમાં ઊંડી નજર પહોંચતી તે એક વખ્તે સ્પષ્ટ દેખાઇ આવ્યું. વિભાજામને અમુક વખતે સ્વારીમાં હાજર થવાનું હતું. બરોબર એ જ વખતે એમને તાવ આવ્યો. આ તાવ ભટ્ટજીએ પોતાની બનાવટની એક નવીન દવાથી તાબડતોબ ઉતાર્યો.

એમના જીવનનું વહાલામાં વહાલું સ્વપ્ન તે મનુષ્ય સમાજનું આરોગ્ય. તેઓ માનતા કે આજમાનામાં પણ પ્રત્યેક માણસનું આયુષ્ય ઓછામાં ઓછાં સો વર્ષ સુધી તો નિભાવી જ શકાય. આ સાધવા માટે તેમણે જીવિત વર્ધક મંડળી નામની સંસ્થા સ્થાપી.

એમના જીવનનું સુંદરમાં સુંદર કામ તો જામનગરની રસશાળા ને તેને અંગે આયુરવેદ શીખવા માટેની પાઠશાળા . દેશી ઉત્તમ ઔષધો બનાવવાં એ રસશાળાના કામની પહેલ તો એમની જ ! દવાઓ આપવી, પણ તે બદલ પૈસા ન માંગવા, ગરીબ દર્દીને તો દવા ઉપરાંત દૂધ ને ખાધ ખોરાકી પણ પૂરી પાડતા. તેથી તેમને આવનાર હસતો ચહેરો લઇને જ વિદાય થતું.

ભટ્ટ્જીએ ત્રણેક વર્ષ સુધી જામનગરની મ્યુનિસિપાલિટીના પ્રેસિડેંટ તરીકે પણ કાર્ય કર્યું. આ કારકીર્દી દરમિયાન તેમણે ઘણાં જ સારાં કાર્યો કરી શહેર સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરેલો.

ભટ્ટજી માત્ર 25 કોરીથી નોકરી શરૂ કરેલી. તેમનો પગાર પાછળથી 700 કોરી સુધી વધરવામાં આવેલો. જામસાહેબ ને ભટ્ટજી વચ્ચેનો સંબંધ અદ્વિતીય –અનન્ય હતો. ભટ્ટજી ની ચિકિત્સા સર્વોત્તમ હોવાથી ઘણીવાર કાઠિયાવાડના રાજાઓ જામસાહેબ પર પરબારા તાર મોકલાવી ભટ્ટજીને સેવા માંગી લેતા.

દેશી દવાઓનો પ્રચાર કરવાની ને આયુર્વેદનો ઉદ્ધાર કરવાની જે ધગશ તેમનામાં હતી તેને તેમના પૌત્ર જુગતરામભાઇએ પૂન: કરી. કેમ તે પૂછશો નહીં. ઝંડુ ફાર્માસ્યુટિક્લ વર્કસ લિ. નો ઇતિહાસ જોઇ જાઓ.

માણસ ગયો પણ એની અદ્ભુત ભાવના રહી. એ ભાવના ઘણાએક મહનુભાવો મારફત કામ કરી ગઇ છે. માત્ર એ જોવા શ્રદ્ધાળુ આંખો જોઇએ.

ઝંડુ ભટ્ટજી

નાગર નરબંકા/દોલત ભટ્ટ/અરૂણોદય સેવા ટ્રસ્ટ, ગાંધીનગર

દોલત ભટ્ટના આર્ટિકલ માંથી સંકલિત અંશો સાભાર.

સં. હસમુખ ગોહીલ (અમર કથાઓ ગ્રુપ)